અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં UG-PG અને ડિપ્લોમાં કોર્સિસમાં પ્રવેશ માટે આગામી 30 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કોર્સની અંદાજિત 1.630 બેઠકો માટે GEETA (ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિક્સી ટેસ્ટ ફોર એડમિશન) આગામી 11 મેના રોજ રાજ્યનાં 30 કેન્દ્રમાં લેવાશે.
UG-PG અને ડિપ્લોમાં કોર્સિસમાં પ્રવેશ
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા 13 અને 14 મેના રોજ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે અને આગામી 1 જુલાઈના રોજ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 14 સ્નાતક, 3 સ્નાતકોતર, 20 અનુસ્નાતક, 4 અનુસ્નાતક ડિપ્લોમા/ ડિપ્લોમા અભ્યાસક્રમની 1.630 બેઠક પર પ્રવેશ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
100 તેજસ્વી વિદ્યાર્થીઓને માસિક સહાય
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આમંત્રણથી આ વખતે ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની બેઠક હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ હતી. બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિ વર્ષ 100 તેજસ્વી વિદ્યાર્થીઓને રુ 10 હજાર લેખે 'કુલાધિપતિ શિષ્યવૃતિ' આપવામાં આવશે. આ માટે રુપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે.
પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશિપ
વિદ્યાપીઠના પીએચડીના વિદ્યાર્થીઓને ગાંધી વિચાર વિસ્તારક યોજના હેઠળ ફેલોશિપ આપવાની યોજના છે. પ્રતિ વર્ષ 5 વિદ્યાર્થીઓને દર મહિને રુ. 25000 ફેલોશિપ આપવાનો નિર્ણય કરવામાં છે. વિદ્યાપીઠના અધ્યાપકોના સંશોધન કાર્ય માટે પ્રતિવર્ષ રુપિયા 10 લાખ લેખે 50 લાખની વિશેષ ફાળવણી કરાઈ છે. ગૂજરાત વિદ્યાપીઠ મંડળની આ બેઠકમાં વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે રુપિયા 50 લાખ ફાળવવામાં આવ્યા છે.
મહાસંમેલનમાં 50 લાખની વિશેષ ફાળવણી
આગામી 6 ડિસેમ્બરમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘનું શતાબ્દી મહાસંમેલન યોજાવવા જઈ રહ્યું છે. આ મહાસંમેલનમાં વિદ્યાપીઠના 10 હજાર પૂર્વ સ્નાતકોને આમંત્રણ પાઠવવાનું આયોજન છે. આ મહાસંમેલન માટે રુપિયા 50 લાખની વિશેષ ફાળવણીને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: