ETV Bharat / bharat

વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી : પશુથી માનવી અને માનવીથી પશુમાં ફેલાતા રોગો અંગે જાગૃતિનો સંદેશ

લુઇ પાશ્વરે હડકવા વિરોધી રસીની શોધ કરી હતી જેના માનમાં દર વર્ષે સમગ્ર વિશ્વમાં 6ઠી જુલાઈના દિવસે વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે

પશુઓથી મનુષ્યો અને મનુષ્યમાંથી પશુઓમાં ન ફેલાય તે માટે લોકો સાવચેત બને તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરવામાં આવે છે
પશુઓથી મનુષ્યો અને મનુષ્યમાંથી પશુઓમાં ન ફેલાય તે માટે લોકો સાવચેત બને તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરવામાં આવે છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2025 at 1:13 PM IST

|

Updated : July 6, 2025 at 3:47 PM IST

6 Min Read
Choose ETV Bharat

જુનાગઢ : આજે વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1885માં લુઈ પાશ્વરે હડકવા વિરોધી રસીની શોધ કરી હતી. તેના માનમાં દર વર્ષે છઠ્ઠી જુલાઈના રોજ વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખાસ ઝૂનોટિક રોગના ફેલાવા અને તેને લઈને માહિતી લોકો સુધી પહોંચે તે માટે મહત્વનો માનવામાં આવે છે. ઝૂનોટિક રોગો કે જે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યોમાંથી પશુઓમાં ખૂબ જ સરળતાથી પ્રસરી શકે છે. તેવા રોગોની માહિતી અને આવા રોગો પશુઓથી મનુષ્યો અને મનુષ્યમાંથી પશુઓમાં ન ફેલાય તે માટે લોકો સાવચેત બને તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરવામાં આવે છે

વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી : આજના દિવસે વર્ષ 1885માં લુઇ પાશ્વરે હડકવા વિરોધી રસીની શોધ કરી હતી. જેના માનમાં દર વર્ષે સમગ્ર વિશ્વમાં 6 જુલાઈના દિવસે વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઝૂનોટિક દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢની ઘોડાસરા કોલેજમા કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપકો અને રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓમાં થતા રોગો માનવોમાં ન પ્રસરે અને માનવોમાં થતા રોગ પશુઓમાં ન પ્રસરે તેને લઈને રોગ અને તેની તમામ પ્રકારની માહિતી કોલેજમાં અભ્યાસ કરતા અને ખાસ કરીને ગામડામાંથી આવતા અને પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા પરીવારના વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી.

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 6ઠી જુલાઈના દિવસે વિશ્વ જુનોટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે (Etv Bharat Gujarat)

ઝૂનોટિક રોગ અને તેનો ફેલાવો : ઝૂનોટિક રોગ પ્રાણી અને પશુની સાથે વ્યક્તિનો સીધો સંબંધ આવા રોગોને ફેલાવવા માટે કારણભૂત માનવામાં આવે છે. આધુનિક યુગમાં વધતી જતી માંગને પહોંચી વળવા માટે પશુધનનું ઉત્પાદન વધારવાથી વન્યજીવ અને માનવ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા થાય છે. જેને કારણે આ રોગ ફેલાવવાની શક્યતા વધી જાય છે. ભારતમાં મુખ્યત્વે પશુધન સાથે જોડાયેલા લોકોમાં જુનેટિક રોગો નોંધાઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે બૃસેલોસિસ, ક્ષય હડકવા, ટાઈફોડ, અને ચામડીના રોગોની સાથે કોંગો ફીવર અને કાળીયો તાવ, લેપ્ટોસ્પિરોસિસ, માતાનો રોગ, બોટુલીઝમ કોલેરા વગેરે રોગો જુનોટીક રોગ તરીકે પશુઓમાંથી માણસોમાં અને માણસોમાંથી પશુઓમાં ફેલાઈ શકે છે. સ્થાનિક અને જંગલી પ્રાણીઓની વસ્તીની વચ્ચેથી હિલચાલને કારણે પણ આવા જૂનોટીક રોગો ફેલાવવા માટે મહત્વના પરિબળ પરિબળ તરીકે જોવામાં આવે છે. આ સિવાય ગેરકાયદેસર પ્રાણીઓની લે-વેચ અને તેના વેપાર પણ આવા ગંભીર પ્રકારના રોગોના ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે.

સ્થાનિક વિસ્તારમાં કેવા રોગો થઈ શકે : સામાન્ય રીતે જુનોટિક રોગો આપણી આસપાસની જીવન વ્યવસ્થા સાથે જોડાયેલા છે. દુધાળા પશુઓ ગાય અને ભેંસની સાથે અન્ય પશુઓ કે જેમાં બ્રુસેલોસીસ ચેપી ગર્ભપાત તરીકે પશુ તબીબી વિજ્ઞાનમાં માનવામાં આવે છે. તેની સાથે ક્ષય, લેપટોસ્પાયરોસિસ,કાળીયો તાવ એટલે કે એન્થ્રેક્સ તથા ઘેટા બકરામાં જોવા મળતો માતાનો રોગ એટલે કે પોક્સ તેમજ અશ્વ અને ગદર્ભંમા ગ્લેન્ડર્સ નામનો રોગ થાય છે. જેને ઝૂનોટિક રોગ તરીકે પશુ તબીબી વિજ્ઞાનમાં ઓળખવામાં આવે છે. આવા રોગો એકદમ સરળતાથી પશુઓમાંથી માનવોમાં અને માનવોમાંથી પશુઓમાં પ્રસરી શકે છે.

જુનેટિક રોગોમાં સૌથી પહેલા બ્રુસેલોસિસ રોગ કે જે દુધાળા પશુઓ ગાય ભેંસ ઘેટા બકરામાં જોવા મળે છે.
જુનેટિક રોગોમાં સૌથી પહેલા બ્રુસેલોસિસ રોગ કે જે દુધાળા પશુઓ ગાય ભેંસ ઘેટા બકરામાં જોવા મળે છે. (Etv Bharat Gujarat)

જુનેટીક રોગોની માહિતી અને તેનો વિસ્તાર : ઝૂનોટિક રોગોમાં સૌથી પહેલા બ્રુસેલોસિસ રોગ કે જે દુધાળા પશુઓ ગાય ભેંસ ઘેટા બકરામાં જોવા મળે છે. આ રોગ દૂધ દ્વારા ફેલાતો હોવાનો પશુ તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલા સંશોધનમાં સામે આવ્યું છે. દૂધ દ્વારા ફેલાતા રોગોમાં બ્રુસેલોસિસ સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે પશુ ગર્ભાવસ્થામાં ન હોય અને દૂધ ન આપતું હોય તે સ્થિતિમાં રોગના જીવાણુંઓ દૂધ ગ્રંથિઓમાં અને લસિકા ગ્રંથિમાં જોવા મળે છે. જે ત્યારબાદ બ્રુસેલોસીસ નામના રોગના ફેલાવા માટે કારણભૂત બને છે. આ પ્રકારનું રોગ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દુધાળા પશુઓમાં સૌથી વધારે જોવા મળે છે.

મનુષ્યમાં બ્રુસેલોસીસના જોવા મળતા લક્ષણો : પશુઓમાં જોવા મળતા બ્રુસેલોસીસ નામનો રોગ કોઈ પણ વ્યક્તિમાં પ્રસરે તો વ્યક્તિનું શરીર દુર્બળ બનતું જાય છે. 48 કલાકના અંતરે રોગગ્રત કોઈપણ વ્યક્તિમાં તાવ ઉથલો મારે છે. તાવ ચડાવ ઉતાર થવાની સાથે પીઠમાં સતત દુખાવો આ રોગને કારણે થાય છે. વધુમાં નર વ્યક્તિઓમાં વૃષણ કોથળી ઉપર સોજો પણ આ પ્રકારના રોગથી આવે છે. યોગ્ય સમયે કોઈ પણ વ્યક્તિની સારવાર અને રોગનું નિદાન ન થાય તો બ્રુસેલોસીસ નામનો રોગ મનુષ્ય માટે પણ જીવલેણ બને છે. આ રોગ ન પ્રસરે તે માટે પશુપાલકોએ તેમના દુધાળા પશુઓને રસી અવશ્ય મુકાવી જોઈએ પશુને અલગ કરીને ગર્ભપાત સમયે થયેલી ગર્ભ મેલી તથા તેના સંપર્કમાં આવેલી તમામ ચીજોને બાળીને અથવા ઊંડા ખાડામાં ચૂનો નાખીને તેનો નાશ કરવો જોઈએ. પશુઓમાં હજુ સુધી આ રોગના કોઈ પણ અસરકારક ઉપચાર તરીકે કોઈ પદ્ધતિ કામ કરતી નથી તેથી રોગનું નિયંત્રણ થાય તે માટે પશુપાલકોએ ખૂબ સાવચેત રહેવું પડશે.

એન્થ્રેક્સ જેવો ખૂબ ગંભીર તાવ : એનથ્રેક્સ જેવો રોગ પશુઓ અને માનવો માટે પણ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. આ રોગના જીવાણુઓ અતિ ગરમ અને અતિ ઠંડા વાતાવરણને અનુરૂપ થઈ શકે તેવા શક્તિશાળી હોય છે. વધુમાં તેના જીવાણુઓ હવાના ઓક્સિજન સાથે સંપર્કથી એક સ્પોર જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કાળીયા તાવથી મોત પામેલા પશુને કોઈપણ સ્થિતિમાં ઊંડો ખાડો ખોદીને તેને ડાટવું જોઈએ જેમાં ચૂનો મીઠા જેવા પદાર્થો પુષ્કળ પ્રમાણમાં નાખીને ખાડો માટી થી ઢાંકી દેવો જોઈએ, અને આ ખાડાને કોઈ પ્રાણી ન ખોદે તે માટે તેની આસપાસ કાંટાળુ આવરણ કરવું પણ આટલું જ મહત્વનું માનવામાં આવે છે.

પશુઓમાં જોવા મળતો ક્ષય નામનો રોગ : પશુઓ અને માનવોમાં એક સમાન રીતે ક્ષય નામનો રોગ જોવા મળે છે. જે માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફેલાતો હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધારે ક્ષય રોગોના દર્દીઓ જોવા મળે છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી ક્ષય એટલે કે ટીબી નામના રોગથી પીડિત હોવાનું માનવામાં આવે છે. કોઈપણ પશુને જ્યારે ક્ષય થયો હોય ત્યારે આ રોગ અને તેના જીવાણુ દુધાળા પશુના દૂધ દ્વારા બહાર આવે છે. જેથી તે મનુષ્યને રોગગ્રસ્ત બનાવે છે.

હડકવા પશુ અને માનવોમાં થતો રોગ : હડકવાનો રોગ પણ પશુઓ અને માનવોમાં ગંભીર પ્રકારનો રોગ માનવામાં આવે છે. જે ખૂબ જ ગંભીર વિષાણુ જન્ય રોગ તરીકે પશુ અને માનવ તબીબી વિજ્ઞાનમાં ઓળખવામાં આવે છે. હડકવા ગ્રસ્ત કોઈ પણ પશુ ખૂબ જ આક્રમક અને કોઈપણ વ્યક્તિના નિયંત્રણની બહાર જતુ હોય છે. રોગગ્રસ્ત બનેલો પશુ અન્ય પશુઓ કે મનુષ્ય પર હુમલા કરે છે. કોઈપણ પશુમાં જો હડકવાનો રોગ લાગુ પડે તો તેનું થોડા જ સમયમાં મૃત્યુ પણ થાય છે. હડકવાનું રોગ વ્યક્તિઓમાં હડકવા ગ્રસ્ત પશુઓના કરડવાથી શરીરના કોઈ ઇજાગ્રસ્ત ભાગમાં હડકવા ગ્રસ્ત પશુઓની લાળ કે તેના શરીરમાંથી નીકળતો અન્ય પદાર્થ આવે તો તે વ્યક્તિને પણ હડકવા ગ્રસ્ત બનાવી આપે છે. કોઈપણ સ્થિતિમાં હડકવા ગ્રસ્ત પ્રાણી પશુ કે વ્યક્તિને કરડે તો આવી સ્થિતિમાં તેને હડકવા પ્રતિરોધક રસીના 6 ડોઝ આપવાથી આ રોગ પર નિયંત્રણ થઈ શકે છે.

લેપ્ટોસ્પાયરોસિસ રોગ અને તેનું નિયંત્રણ : લેપ્ટોસ્પાયરોસીસ નામના રોગના જીવાણુ કોઈપણ રોગીષ્ટ પશુની કિડની અને તેના પ્રજનન અંગોમા સ્થાઈ થઈને મહિનાઓ કે વર્ષો સુધી તેના પેશાબ દ્વારા જીવાણુઓને સતત બહાર ફેંકતા રહે છે. જે ભીની અને ભેજવાળી જમીનમાં વૃદ્ધિ પામીને પાણીમાં સતત હાજર રહીને રોગનો ફેલાવો કરતા હોય છે. લેપ્ટોસ્પાયરોસિસ નામનો અતિ ભયંકર રોગના જીવાણુઓ મળ મૂત્ર અને દૂધમાંથી પણ વાતાવરણમાં આવતા હોય છે. આ રોગના જીવાણુઓ ઉંદર મૂષક ગાય બળદ ઘેટા બકરા કુતરા વગેરે પ્રાણીઓમાં જોવા મળતા હોય છે.

ઝૂનોટિક રોગોના અટકાવ માટેના પગલાં : ઝૂનોટિક રોગોને અટકાવવા માટે પશુઓને રસીકરણની સાથે દુધાળા પશુઓમાં ઇતળી નાશક દવા અવશ્ય લગાવી જોઈએ. પશુને બાંધવાનો વિસ્તારોમાં પાણીનો નિકાલ કરીને આ વિસ્તારને સુકુ અને ચોખ્ખું બનાવવું જોઈએ. કોઈપણ પશુમાં ગંભીર બીમારીની સ્થિતિમાં તુરંત પશુ તબીબનો સંપર્ક કરીને તેના રોગ વિશે માહિતી મેળવવી જોઈએ. કોઈપણ દૂધને હંમેશા ખૂબ જ ઉકાળીને ઉપયોગ કરવો જોઈએ. નવા પશુ લાવતી વખતે તેને કોઈ રોગ છે કે નહીં તેની ખાતરી કરીને તેને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રસી પણ અપાવી જોઈએ. આવા કેટલાક નાના નાના પરંતુ મહત્વના પરિબળોને ધ્યાને રાખવામાં આવે તો પશુઓમાંથી થતા માણસોમાં અને માણસોમાંથી થતા પશુઓના રોગને અટકાવવામાં સફળતા મળી શકે છે.

આ પણ વાંચો :

  1. વલસાડની પ્રખ્યાત હાફુસ કેરીને લાગી નજર, આંબા પર મધિયો રોગ દેખાતા ખેડૂતો ચિંતિત
  2. ડુંગળીના પાકમાં થ્રીપ્સ રોગ દેખાતા ખેડૂતો ચિંતિત, ખેતીવાડી અધિકારીએ નિયંત્રણ માટે આપ્યા સૂચનો
Last Updated : July 6, 2025 at 3:47 PM IST