થ્રિસુર: કેરળના થ્રિસુર જિલ્લાના અથિરાપ્પિલ્લી વિસ્તારમાં જંગલી હાથીઓનો આતંક ચાલુ છે. સોમવારે રાત્રે બીજી એક દુ:ખદ ઘટનામાં, અથિરાપ્પિલ્લી ધોધ નજીક વાંચિક્કડવ ખાતે જંગલી હાથીના હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યા.મૃતકોની ઓળખ વઝાચલના રહેવાસી અંબિકા અને સતીશ તરીકે થઈ છે. આ ઘટનાના એક દિવસ પહેલા, આ જ વિસ્તારમાં જંગલી હાથીના હુમલામાં 20 વર્ષીય યુવક સેબેસ્ટિયનનું પણ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, અંબિકા અને સતીશ સોમવારે રાત્રે વન સંસાધનો એકત્ર કરવા ગયેલા એક જૂથ સાથે હતા. સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ, જ્યારે આ જૂથ જંગલમાં ઝૂંપડી બનાવીને આરામ કરી રહ્યા હતાં, ત્યારે એક જંગલી હાથીએ તેમના પર હુમલો કર્યો જેના કારણે નાસભાગ મચી ગઈ, જોકે કમનસીબે સતીષ અને અંબિકા હાથીઓના ઝૂંડની વચ્ચે ફસાઈ ગયા. આજે સવારે શોધખોળ કામગીરી દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
અથિરાપ્પિલ્લી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હુમલામાં બચી ગયેલા અન્ય લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
કેરળમાં વધતા હાથીઓના હુમલા: છેલ્લાં કેટલાક સમયથી કેરળમાં હાથીઓના હુમલાની ઘટનાઓ ઝડપથી વધી છે. ૧૯ ફેબ્રુઆરીએ ત્રિશુરમાં પ્રભાકરન નામનો આદિવાસી, ૧૧ ફેબ્રુઆરીએ મેપ્પાડીના અટ્ટામાલામાં ૨૬ વર્ષીય બાલકૃષ્ણન અને સુલ્તાન બાથરીના નૂલપુઝામાં ૪૫ વર્ષીય મનુ પણ જંગલી હાથીઓનો શિકાર બન્યો હતો. આ ઉપરાંત, ઇડુક્કીના પેરુવન્થાનમમાં સોફિયા ઇસ્માઇલ (45) નામની એક મહિલાને પણ જંગલી હાથીએ કચડી નાખીને મારી નાખી.
માનવ-વન્યજીવ સંઘર્ષમાં વધારો: કેરળમાં માનવ અને વન્યજીવ વચ્ચે સતત સંઘર્ષ વધી રહ્યો છે. જંગલ વિસ્તારોની આસપાસ રહેતા લોકો ભય અને ચિંતામાં જીવવા માટે મજબૂર છે. વન્યજીવન પ્રેમીઓ પણ હાથીઓના હુમલાથી ચિંતિત છે અને આ સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે.