નવી દિલ્હી: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગોવિંદાનંદ સરસ્વતી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની માનહાનિની અરજી પર સુનાવણી કરતા ગોવિંદાનંદ સરસ્વતીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી 29 ઓગસ્ટના રોજ રાખવાની જાહેરાત કરી છે.
હાઈકોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અરજી પર ગોવિંદાનંદ સરસ્વતી સામે કોઈપણ વચગાળાનો એકસ-પાર્ટી આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, પ્રતિવાદીની બાજુ સાંભળ્યા વિના કોઈ પણ આદેશ આપવો યોગ્ય નથી. સુનાવણી દરમિયાન કોર્ટે અવિમુક્તેશ્વરાનંદના વકીલને કહ્યું કે તમે સંત છો અને તમે આની ચિંતા કેમ કરો છો. સંતોએ આ બધાની ચિંતા ન કરવી જોઈએ, આનાથી તેમની બદનામી થઈ શકે નહીં. સંતોને તેમના કાર્યોથી માન મળે છે.
સુનાવણી દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વકીલે કહ્યું કે, ગોવિંદાનંદ તેમને નકલી બાબા, ઢોંગી બાબા અને ચોર બાબા કહે છે. તેઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ લોકોનું અપહરણ કરી રહ્યા છે, તેઓ એક હિસ્ટ્રીશીટર છે. વકીલે વધુમાં કહ્યું કે ગોવિંદાનંદ સરસ્વતી કહી રહ્યા છે કે તેમણે સાત હજાર કરોડનું સોનું ચોર્યું છે. તેના સાધ્વીઓ સાથે ગેરકાયદેસર સંબંધો છે. આવા નિવેદનોથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદની છબી ખરાબ થઈ રહી છે, તેથી તેમના પર નિવેદનો આપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, ગોવિંદાનંદ સરસ્વતીએ કોંગ્રેસ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગોવિંદાનંદ સરસ્વતીએ 13 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રિયંકા ગાંધી દ્વારા અવિમુક્તેશ્વરાનંદને લખેલો પત્ર પુરાવા તરીકે બતાવ્યો હતો.