મેઘાલય : રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મેઘાલયના CM કોનરાડ સંગમા અને ડીજીપીએ આ મામલે મોટી માહિતી આપી છે. ઇન્દોરનું આ દંપતી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. ત્યારબાદ આ દંપતી અચાનક ગાયબ થઈ ગયું અને થોડા દિવસો પછી યુવક રાજા રઘુવંશીનો મૃતદેહ ચેરાપુંજી નજીક સોહરારિમની એક ઘાટીમાંથી મળી આવ્યો.
રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો : આ હત્યા કેસ મુદ્દે મેઘાલયના CM કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 7 દિવસમાં મેઘાલય પોલીસને રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. કાર્યવાહી કરતા પોલીસે મધ્યપ્રદેશથી 3 હુમલાખોરોની ધરપકડ કરી છે. બીજી તરફ એક મહિલાએ પણ આત્મસમર્પણ કર્યું છે. આ સાથે, બીજા હુમલાખોરને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
યુવતી સહિત ચાર લોકોની ધરપકડ : મેઘાલયના DGP આઈ નોંગરાંગે પણ રાજા રઘુવંશી હત્યા કેસમાં અપડેટ આપતા કહ્યું કે, મધ્યપ્રદેશના ઇન્દોરના એક પુરુષની હત્યાના સંદર્ભમાં તેમની પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પત્ની સોનમને શરીર પર ક્યાંય પણ કોઈ ઈજા થઈ નથી. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હાલની માહિતી અનુસાર, આરોપી પત્ની સોનમને યુપીના ગાઝીપુરમાં વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.
ગાઈડે કર્યો ચોંકાવનારો દાવો : અગાઉ એક ગાઇડે દાવો કર્યો હતો કે, ઇન્દોરનું એક દંપતી અહીં પોતાના હનીમૂન માટે આવ્યું હતું. આ વાતની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું કે, ગાઇડે પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી અનુસાર, માવલાખિયાતના એક ગાઇડે જણાવ્યું હતું કે 23 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ, તેઓ બંને કેટલાક પુરુષ પ્રવાસીઓ સાથે જોવા મળ્યા હતા. આ પુરુષો હિન્દીમાં વાત કરી રહ્યા હતા, તેઓ સમજી શક્યા નહીં કે તેઓ શું વાત કરી રહ્યા છે.
કેસની CBI તપાસની માંગ : તમને જણાવી દઈએ કે, ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના લગ્ન 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે થયા હતા. અગાઉ રવિવાર 8 જૂને, મેઘાલયના મંત્રી એલેક્ઝાન્ડર લાલુ હેકે રાજા રઘુવંશી હત્યા કેસમાં ન્યાય માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શુક્રવારે, મધ્યપ્રદેશના ઇન્દોરના નવપરિણીત રાજા રઘુવંશીના પરિવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ કેસની CBI તપાસની વિનંતી કરી.
શું કહે છે રઘુવંશી દંપતીના પરિજનો...
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સોનમ રઘુવંશીની માતા સંગીતા રઘુવંશીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે CBI તપાસ શક્ય તેટલી વહેલી તકે શરૂ થાય. જેથી મારી પુત્રી શક્ય તેટલી વહેલી તકે ઘરે આવી શકે. અમે ઇચ્છીએ છીએ કે અમારી પુત્રી શક્ય તેટલી વહેલી તકે મળી આવે.
બીજી તરફ રાજા રઘુવંશીના ભાઈ વિપુલ રઘુવંશીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી અમને ટેકો આપે અને કેસની તપાસ CBI દ્વારા કરાવે. આનાથી રાજાને ન્યાય મળી શકે છે અને સોનમને શોધવામાં સરળતા રહી શકે છે. મેઘાલય પોલીસ આ કેસમાં જે રીતે કામ કરી રહી છે તેનાથી રાજાને ન્યાય મળશે નહીં.