મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી બુધવારે મુંબઈની મુલાકાતે આવશે. અહીં તેઓ ભારતીય નૌકાદળના ત્રણ આધુનિક યુદ્ધ જહાજો દેશને સમર્પિત કરશે. મુંબઈ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનના ધારાસભ્યો સાથે પણ વાતચીત કરશે. આ ઉપરાંત તેઓ નવી મુંબઈમાં ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે.
ત્રણેય યુદ્ધ જહાજો દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ
ભારતીય નેવીના જણાવ્યા અનુસાર, ત્રણ આધુનિક યુદ્ધ જહાજોમાં INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનો સમાવેશ થાય છે. નેવીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ત્રણેય યુદ્ધ જહાજો દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદી દેશને કરશે અર્પણ
નેવી અનુસાર, INS નીલગિરી 17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પહેલું જહાજ છે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જેમ કે વધેલી વહન ક્ષમતા, લાંબા સમય સુધી દરિયામાં ટકી રહેવાની ક્ષમતા અને સ્ટીલ્થ જેવી ઉચ્ચ વિશેષતા સજ્જ છે. આ જહાંજ વિશ્વના સૌથી મોટા અને અદ્યતન વિનાશક જહાજોમાંનું એક છે. INS નીલગિરીમાં 75 ટકા સ્વદેશી ટેકનોલોજી અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યુદ્ધજહાજ અત્યાધુનિક શસ્ત્રો, સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક-સેન્ટ્રીક ક્ષમતાઓથી સજ્જ છે.
ભારતીય નૌસેનાએ કહ્યું કે INS વાઘશિર P75 સ્કોર્પીન પ્રોજેક્ટની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે. તે સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાને દર્શાવે છે. તે ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી બનાવવામાં આવ્યું છે.
ભારતીય નેવીના સૌથી આધુનિક યુદ્ધ જહાજો
INS સુરત અને INS નીલગિરી ભારતીય નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે, જે દેશને હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે. યુદ્ધ જહાજ સરહદથી થોડાક કિલોમીટર દૂર હવામાં દુશ્મન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને નષ્ટ કરી શકશે. આધુનિક સબમરીન INS વાઘશીર યુદ્ધની સ્થિતિમાં દેશની યુદ્ધ કરવાની ક્ષમતામાં વધારો કરશે. આ સબમરીનમાંથી લાંબા અંતરની મિસાઈલ છોડી શકાય છે. આ જ શ્રેણીની સબમરીન INS અરિઘાટને ગયા વર્ષે નેવીમાં સામેલ કરવામાં આવી હતી.
પીએમ મોદી મહાયુતિના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
નેવીના કાર્યક્રમ બાદ પીએમ મોદી મહાયુતિના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ તેઓ નવી મુંબઈમાં ઈસ્કોન શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો, એક વૈદિક શિક્ષણ કેન્દ્ર, એક સૂચિત સંગ્રહાલય, એક ઓડિટોરિયમ અને સારવાર કેન્દ્રનો સમાવેશ થાય છે.