કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ સુધારા કાયદાને પાછો ખેંચવાની માંગણી માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જે બાદ હજુ પણ ત્યાંની પરિસ્થિતિ તંગ જણાઈ રહી છે. જોકે આ હિંસાને ઠંડી પાડવા માટેના પગલાં સ્વરૂપે રવિવારના રોજ અર્ધલશ્કરી દળોએ સમસેરગંજ, ધુલિયાં સહિત અનેક હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રૂટ માર્ચ કર્યું. મળતી માહિતી અનુસાર, શાંતિ જાળવવામાં માટેલેવામાં આવેલા પગલાં તેમજ હિંસાગરસ્ત સ્થળોએ કેન્દ્રીય દળો અને પોલીસની ભારે તૈનાતી હોવા છતાં રવિવારે સમસેરગંજમાં શાંતિ પાછી આવી નથી.
છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હિંસાની ઘટનાઓ બની રહી છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. શનિવારે રાત્રે ગોળીબારમાં બીજો એક યુવાન ઘાયલ થયો હતો. તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત હિંસાને કારણે ઘણા લોકો બેઘર બન્યા છે. તોફાનીઓ દ્વારા હિંસા અને અરાજકતાના ચિત્રો બધે ફેલાયેલા છે. સમસેરગંજમાં સામાન્ય સ્થિતિ ક્યારે પુનઃસ્થાપિત થશે? આ પ્રશ્ન હવે સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
હાઈકોર્ટના આદેશ અનુસાર શનિવારે સમસેરગંજમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ગઈકાલ રાતથી કેન્દ્રીય દળો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જોકે રાત્રે હિંસા ફેલાવનાર બદમાશોએ BSF દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. કથિત રીતે BSF એ પણ વળતો જવાબ આપ્યો હતો. આ ગોળીબારમાં ધુલિયાણનો રહેવાસી એક યુવાન ઘાયલ થયો હતો. હાલમાં તેમની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જનપ્રતિનિધિઓ પણ બેઘર લોકોને સાંત્વના આપવા અને તેમને ઘરે પાછા લાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP) શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સમસેરગંજમાં BNS ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સભા, સરઘસ અથવા 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. કલમ લાગુ થવાને કારણે શેરીઓમાં બહુ ઓછા લોકો દેખાય છે અને બધી દુકાનો પણ બંધ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: