જયપુર: રાજધાની જયપુરમાં હિટ એન્ડ રનની એક ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે મોડી રાત્રે, એક કાર સવાર MI રોડથી નાહરગઢ રોડ તરફ બેફામ ઝડપે જતો હતો. દરમિયાન લગભગ એક ડઝન વાહનોને ટક્કર મારી અને ઘણા રાહદારીઓને કચડી નાખ્યા, જેના પરિણામે ત્રણ લોકોના દુઃખદ મૃત્યું થયા છે.
આ અકસ્માતમાં લગભગ 6 લોકો ઘાયલ થયા છે જે તમામને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. લોકોએ ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
કાળ બનીને ત્રાટકી કાર: સોમવારે મોડી રાત્રે રાજધાની જયપુરમાં એક બેકાબુ કારે રોડ પર ભારે કહેર મચાવી દીધી હતી. MI રોડથી શરૂ થયેલી આ મોતની રફતારમાં કાર ચાલકે નાહરગઢ રોડ પહોંચતા સુધીમાં કહેર વરસાવ્યો અને અસંખ્ય લોકોને અડફેટે લીધા. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંગરના બાલાજી વળાંક પાસે, બેફામ ગતિએ આવતી કારે પહેલા MI રોડ પર કેટલાક વાહનોને ટક્કર મારી અને પછી એક પછી એક ત્રણ અકસ્માતો સર્જ્યા. અકસ્માતમાં ઘાયલ ૫૦ વર્ષીય મહિલા મમતા કંવર અને ૩૫ વર્ષીય અવધેશ પારીકનું મોત નીપજ્યું છે. દરમિયાન, જયપુરના ઘાયલ વીરેન્દ્ર સિંહનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. અકસ્માતમાં ઘાયલ મોનેશ સોની, જલાલુદ્દીન, દીપિકા, વિજય, ઝેબુનિશા અને અંશિકાની સારવાર ચાલુ છે.
પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદનમાં જણાવ્યું: SMS પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કન્હૈયાલાલે કહ્યું કે આ એક હિટ એન્ડ રન કેસ છે. કાર સતત લોકોને અડફેટે લેતી આગળ વધી રહી હતી. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કન્હૈયા લાલે જણાવ્યું હતું કે નાહરગઢ રોડ પર એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ તમામને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક ઝડપથી આવતી કાર લોકોને કચડી નાખતી જોવા મળે છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાર્યવાહી શરૂ કરી દીધી.
લોકોએ કાર ચાલકને દબોચ્યો: ઘટના બાદ સ્થાનિક લોકોએ હિંમત બતાવી અને કાર ચાલકને સ્થળ પર જ પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. પોલીસે તાત્કાલિક કાર જપ્ત કરી અને ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની અનિયંત્રિત ગતિ અને ટક્કર સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કાર ચાલકની પૂછપરછ ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોની SMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.