નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કેજરીવાલની અરજી, જેમાં સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને પડકારવામાં આવી હતી, તેને પણ ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે 17 જુલાઈના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે. તે 115 દિવસથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે, પરંતુ સીબીઆઈ કેસમાં અરજી ફગાવી દેવાના કારણે કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સીબીઆઈની ધરપકડ અને જામીન અરજીને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે.
અગાઉની સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડની તુલના પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કરી હતી. સિંઘવીએ કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલા અમે જોયું કે ઈમરાન ખાનને પાકિસ્તાનમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને અન્ય કેસમાં તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણે એવા દેશ નથી, આપણા દેશમાં આવું ન થઈ શકે.
સિંઘવીની દલીલો આપતાં તેમણે કહ્યું હતું કે, સીબીઆઈએ કેજરીવાલ સામે વીમા ધરપકડ તરીકે કાર્યવાહી કરી છે. સિંઘવીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે આતંકવાદી નથી કે તેમને જામીન ન મળવા જોઈએ. સિંઘવીએ કહ્યું હતું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડની કોઈ જરૂર નથી. સિંઘવીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ તેમના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે પૂછપરછ ધરપકડનો આધાર ન હોઈ શકે.
અરવિંદ કેજરીવાલને 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં 21 માર્ચે મોડી સાંજે ઈડીએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. 21 જૂનના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે ED કેસમાં કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. ED કેસમાં સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.