નવી દિલ્હીઃ ન્યાયધીશ યશવંત વર્માના ઘરેથી રોકડ મળી આવ્યા બાદ વિવાદમાં આવેલા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા પાસેથી ન્યાયિક જવાબદારીઓ પાછી ખેંચી લેવામાં આવી છે. હાઈકોર્ટના અપડેટેડ કોઝ લિસ્ટ મુજબ જસ્ટિસ વર્માને આગળના આદેશ સુધી ન્યાયિક કાર્યથી દૂર રાખવામાં આવ્યા છે.
આ નિર્ણય પાછળ તાજેતરના ઘટનાક્રમને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના આદેશ બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. જસ્ટિસ યશવંત વર્મા તાજેતરમાં 14 માર્ચ, 2025 ના રોજ તેમના નિવાસસ્થાને આગની ઘટનામાં મોટી રકમની રોકડ મળી આવ્યા બાદ એક મહત્વપૂર્ણ વિવાદમાં ફસાઈ ગયા છે.
જોકે, જસ્ટિસ વર્માએ આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે, ન તો તેમની પાસે અને ન તો તેમના પરિવાર પાસે આ રોકડ છે, તેમણે એમ પણ કહ્યું કે તેમને ફસાવવાના હેતુથી આ એક જાણી જોઈને કાવતરું કરવામાં આવ્યું છે. આ પહેલા શનિવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સાથે સંબંધિત વિવાદ પર દાખલ કરાયેલ તપાસ રિપોર્ટ જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી. 21 માર્ચે સુપ્રીમ કોર્ટે આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડની વસૂલાતના સમાચારનો અલ્હાબાદ હાઈકોર્ટમાં તેમની ટ્રાન્સફરની ભલામણ સાથે કોઈ સંબંધ નથી.
કરાયો આ દાવો: રિપોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ તેઓ માને છે કે સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસની જરૂર છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માનો જવાબ પણ જાહેર કર્યો, જેમણે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે સ્પષ્ટપણે તેમને ફસાવવા અને બદનામ કરવાનું કાવતરું હોવાનું જણાય છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના સ્ટોર રૂમમાં તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્ય દ્વારા ક્યારેય રોકડ રાખવામાં આવી નથી. આ રૂમમાં આગ લાગી હતી અને જ્યાંથી કથિત રોકડ મળી આવી હતી તે એક બહારી નિવાસ હતું ન કે મુખ્ય નિવાસ કે જ્યાં તેમનો પરિવાર રહે છે.
સમિતિની રચના કરાઈ: નોંધનીય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ શનિવારે વરિષ્ઠ ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે, જે થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ દરમિયાન "મોટી" રોકડ રકમ મળી આવી હોવાના આરોપોની તપાસ કરશે. આ તપાસ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જીએસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.