જમ્મુ અને કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગંભીર રીતે પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનને પુનર્જીવિત કરવાના પ્રયાસરૂપે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે અહીં એક હોટલમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અગ્રણી ટુર અને ટ્રાવેલ્સ ઓપરેટરો સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ યોજી ખાસ બેઠક : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં એક ખાસ બેઠક યોજી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના લગભગ 60 ટૂર ઓપરેટરોએ હાજરી આપી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ વધારવાનો અને સંકેત આપવાનો હતો કે કાશ્મીર ખુલ્લું છે અને પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૂર ઓપરેટરો : આ બેઠક પછી મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ઓમરે કહ્યું કે, "અમને અપેક્ષા પણ નહોતી કે તેઓ આવશે. તેઓ બધા અહીં પોતાની મેળે આવ્યા છે. હું એવો દાવો કરી શકતો નથી કે જમ્મુ અને કાશ્મીર સરકાર તેમને અહીં લાવ્યા છે. તેઓ અહીં પોતાની જાતે આવ્યા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતના લગભગ 60 પ્રખ્યાત ટૂર ઓપરેટરો અહીં આવ્યા છે."
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ સાયકલ ચલાવી : પર્યાવરણને અનુકૂળ મુસાફરીને પ્રોત્સાહન આપવાના ઇરાદાથી મુખ્યમંત્રી અબ્દુલ્લા સાયકલ ચલાવીને સ્થળ પર પહોંચ્યા. આ અંગે તેમણે X પર એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "આજે સાંજે શહેરમાં થોડી વાર સાયકલ ચલાવવા માટે પહેલગામમાં રહેવાનો ફાયદો ઉઠાવ્યો."
આતંકી હુમલાના હતભાગીઓની યાદમાં સ્મારક : આ ઉપરાંત મુખ્યમંત્રી અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલા માટે બૈસરનમાં એક સ્મારક બનાવવાની પણ વાત કરતા કહ્યું કે"અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે અમે તે 26 લોકોની યાદમાં પહેલગામના બૈસરનમાં એક સ્મારક બનાવીશું. અમે તેને ક્યારેય ભૂલીશું નહીં. આ નિર્ણય થોડા કલાકો પહેલા પહેલગામમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. પીડબ્લ્યુડીને સત્તાવાર મંજૂરી આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે."