સંજુ સેમસનના શાનદાર 97 રન, વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવી ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત માટે સંજુ સેમસને અણનમ 97 રન બનાવ્યા.
Published : March 1, 2026 at 10:54 PM IST
|Updated : March 1, 2026 at 11:02 PM IST
IND vs WI: સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સુપર 8 ને પાંચ વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પહેલા બેટિંગ કરતા, વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવીને મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયા હવે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને વધુ એક વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર બે જીત દૂર છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ અને સુપર-8 રાઉન્ડની 52મી અને છેલ્લી મેચ આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ હતી. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી આ મેચમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ, પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 195 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમે સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના કારણે વિજય મેળવ્યો. આ સાથે, ભારતીય ટીમ આ વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને હવે તેઓ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રનનો પીછો કર્યો છે.
વેસ્ટ ઈન્ડિઝની મજબૂત બેટિંગ: મેચમાં પહેલા બેટિંગ કરતી વખતે, વેસ્ટ ઈન્ડિઝે નવી ઓપનિંગ જોડી સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોસ્ટન ચેઝે ટીમ માટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન શાઈ હોપે 32 અને રોવમેન પોવેલે માત્ર 19 બોલમાં 34 રન બનાવ્યા. જેસન હોલ્ડર છેલ્લે બેટિંગ કરવા આવ્યા અને 22 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 37 રન બનાવ્યા. રોવમેન પોવેલ અને જેસન હોલ્ડરે પાંચમી વિકેટ માટે 35 બોલમાં 76 રનની અણનમ ભાગીદારી કરી. પરિણામે, ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 195 રનનો પડકારજનક સ્કોર બનાવવામાં સફળ રહી. મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો. તેણે પોતાની ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને વરુણે 1-1 વિકેટ લીધી.
ભારતની નબળી શરૂઆત:જવાબમાં, ભારતની શરૂઆત નબળી રહી. ટીમે 5 ઓવરમાં 45 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી. ઓપનર અભિષેક શર્મા (10) અને ઇશાન કિશન (10) બંને સસ્તામાં પડી ગયા. આ પછી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ (18) અને સંજુ સેમસન વચ્ચે 58 રનની મજબૂત ભાગીદારી થઈ. આ દરમિયાન ઓપનર સંજુ સેમસને 26 બોલમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. આ પછી, સંજુ સેમસને તિલક વર્મા (27) સાથે 42 રનની ભાગીદારી કરીને ટીમને વિજયની નજીક પહોંચાડી હતી. એક બાજુથી વિકેટ પડી રહી હતી, ત્યારે ઓપનર સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. અંતે, હાર્દિક પંડ્યા (17) ની ભાગીદારીએ ટીમને વિજય અપાવ્યો. વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી.
ચારેય ટીમો સેમિફાઇનલ માટે કન્ફર્મ: આ મેચ પહેલા જ ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા હતા. હવે આ મેચમાં વિજય સાથે, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. સેમિફાઇનલમાં, પ્રથમ સેમિફાઇનલ મેચ 4 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે.