ETV Bharat / state

દીવા તળે અંધારું : નાગરીકોને સવલતો પૂરી પાડતા ગાંધીનગર જુના સચિવાલયમાં પાણીનો પોકાર - Secretariat water problem

author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 6:31 PM IST

Updated : May 16, 2024, 6:38 PM IST

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો કકળાટ ડો. જીવરાજ મહેતા ભવન એટલે કે જૂના સચિવાલય સુધી પહોંચ્યો છે. જુના સચિવાલયમાં પીવાનું પાણી તો ઠીક પરંતુ વપરાશનું પાણી પણ બંધ થઈ ગયું છે. કચેરીમાં વોશરૂમનો ઉપયોગ કરવા ગયેલા કર્મચારીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

ગાંધીનગર જુના સચિવાલયમાં પાણીનો પોકાર (ETV Bharat Desk)

ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં પાણીની ખૂબ જ વિકરાળ સમસ્યા છે. ગાંધીનગરના વિવિધ સેક્ટર અને ગામડામાં ફેલાયેલી આ સમસ્યા હવે સરકારના નાક નીચેથી સચિવાલય સુધી પહોંચી છે. જુના સચિવાલય ભવનમાં પીવાના અને વપરાશ માટેના પાણીનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. અધિકારીઓ પોતાની બોટલ લઈને ઓફિસ આવવા મજબૂર છે. જુના સચિવાલયના કેટલાક બ્લોકમાં કર્મચારીઓની હાલત કફોડી થઈ છે.

સચિવાલયમાં પાણીની સમસ્યા : જુના સચિવાલયમાં પાણીની સમસ્યાથી કર્મચારીઓ કંટાળ્યા છે. પીવાના પાણી સહિત વપરાશનું પાણી પણ ઉપલબ્ધ નથી. વોશરૂમમાં પાણી ન આવતા અધિકારીઓ અકળાયા હતા. તેમણે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પાણીની સમસ્યાને કારણે કર્મચારીઓ રીતસર બગડ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણીની આ સ્થિતિ હોય તો અંતરિયાળ અને છેવાડાનો ગામડાઓમાં શું હાલત હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે.

પાણી પુરવઠામાં છીંડા : ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરમાં પીવાના પાણીનો પુરવઠો પૂરું પાડતું પાઇપલાઇનનું નેટવર્ક વર્ષો જૂનું છે. તેથી નવું નેટવર્ક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 24 કલાક પાણી આપવાની યોજના કાગળ પર છે. શહેરમાં આડેધડ ખોદકામને કારણે સેક્ટરવાસીઓ ત્રાહિમામ થઈ ચૂક્યા છે. નવી પાઇપલાઇન નાખવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. છતાં પણ હજી સુધી કામ પૂર્ણ થયું નથી.

સમસ્યાના મુખ્ય કારણ : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ટેક્નિકલ ફોલ્ટ સર્જાયો છે. જેથી જુના સચિવાલયના મોટાભાગના બ્લોકમાં પાણીની સમસ્યા છે. આ પહેલા પણ પાણીની સમસ્યા રહેતી હતી, પરંતુ ટૂંક સમયમાં તેનું નિરાકરણ થતું હતું. પરંતુ હવે એક સાથે મોટાભાગના બ્લોકમાં પાણીની સમસ્યા છે. તેના કારણે કર્મચારીઓ અકળાઈ રહ્યા છે.

કર્મચારીઓ અકળાયા : કર્મચારીઓ હાલમાં નાણાં ખર્ચીને પાણી મેળવવા માટે મજબૂર છે. તાત્કાલિક પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે કર્મચારી મંડળે અનુરોધ કર્યો છે. કેટલાક બ્લોકમાં પીવાનું પાણી નથી, તો કેટલાક બ્લોકમાં વપરાશનું પાણી નથી આવતું. આમ જુના સચિવાલયમાં દરેક બ્લોકમાં જુદી જુદી પાણીની સમસ્યા છે. સમગ્ર પ્રકરણમાં પાટનગર યોજના વિભાગના ડેપ્યુટી ઈજનેર પી.પી. પટેલનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

  1. ગાંધીનગરમાં ભાજપના 23 હજાર કરોડના વિકાસના વાયરા વચ્ચે પણ પાણીની સમસ્યા યથાવત - Water Crisis
  2. ઉનાળાની શરુઆતમાં જ ભુજ શહેરમાં પીવાના પાણી તંગી વર્તાઈ, 43ની જરુરિયાત સામે મળે છે માત્ર 40 એમએલડી પાણી
Last Updated :May 16, 2024, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.